આપ સૌ જાણોજ છો કે રાજકોટ થી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો નાનકડા ગામ જેવું છે પરંતુ આ ગામમાં આવેલું જલારામ બાપાનું મંદિર આખી દુનિયામાં ખૂબજ પ્રખ્યાત છે. જલારામ બાપનો જન્મ 4 નવેમ્બર 1856 ના રોજ વીરપુર ગામમાં જ દિવાળીના એક અઠવાડિયા બાદ થયો હતો. લોકો દેશ વિદેશ થી અહીંયા દર્શનનો લાભ લેવા માટે આવે છે. જલારામ બાપાના પરચા આપસૌ ને થયાં જ હશે. જલારામ બાપા પોતે શ્રીરામ ભગવાનના પરમ ભક્ત હતા. જલારામ બાપાના લગ્ન માત્ર 16 જ વર્ષની વયે વીરબાઈ કરી દેવામાં આવ્યા હતા. 18 વર્ષની ઉંમરે જ હિન્દુઓના પવિત્ર યાત્રા સ્થળોની મુલાકાત લીધા બાદ તેઓ બાપા ભોજા ભગતના શિષ્ય બની ગયા હતા. જલારામ બાપાને પહેલેથી જ સાંસારિક જીવનમાં રસ ન હતો. નાનપણથી જ ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા સાધુ, સંતો અને યાત્રાળુઓની સેવામાં વ્યસ્ત રહેતા. આજે પણ જલારામ બાપાના મંદિરમાં કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી.
જલારામ બાપાએ પોતાનું આખું જીવન ગરીબો, અસહાય અને ભૂખ્યા લોકો માટે સમર્પિત કરી દીધું હતું તેમજ ગરીબોની સેવા કરી તેમને ભોજન પણ કરાવતા હતા. મંદિરના ભોજનાલયમાં કોઈપણ પ્રકારનું દાન લીધા વિના ચલાવવામાં આવે છે. જલારામ બાપા જોડે એક અક્ષયપાત્ર હતું અને તેના લીધે ક્યારે અનાજ તેમની પાસે ખુટતું ન હતું. જલારામ બાપાએ આખી જિંદગી લોકોને જમાડ્યા અને આજે પણ 24 કલાક સદાવ્રત ભકતો માટે ચાલુ રહે છે. મંદિરમાં છેલ્લા 20 વર્ષથી દાન એટલા માટે લેવામાં નથી આવેતું કેમ કે મંદિરને 100 વર્ષ સુધી ચાલે એટલું દાન પેહલા જ મળી ગયું છે.
લોક વાયકા પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી એકવાર જૂનાગઢથી આવતા હતા ત્યારે વીરપુર રોકાયા. જલારામ બાપાએ તેમની ખુબ સરસ સેવા કરી કે તેમનાથી પ્રસન્ન થઈને સ્વામીએ તેમને આશીર્વાદ આપ્યા કે તેમની ખ્યાતી દેશ વિદેશમાં ફેલાશે અને વીરપુર એક મોટું તીર્થસ્થળ બનશે. જલારામ બાપાની બધે પ્રસિદ્ધિ ઈશ્વરના અવતાર તરીકે પ્રસરવા માંડી હતી. વીરપુર આવનાર દરેક વ્યક્તિને તેની જાતિ, ધર્મ પૂછ્યા વિના જલારામ બાપા ભોજન કરાવતા. આજની તારીખે પણ વીરપુરમાં આ પ્રથા ચાલુ છે.
આજે પણ મંદિરમાં અંગ્રેજો દ્ધારા લેવામાં આવેલો જલારામ બાપનો સાચો ફોટો સાચવી રાખવામાં આવ્યો છે. જલારામ બાપાના દર્શન કરવાથી જ દુખિયાના દુઃખ દૂર થઈ જાય છે માટે જ બાપાના દર્શન કરવા માટે ભક્તોના ઘોડાપુર ઉમટી પડે છે.